1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

31 May 2007

ભણેલાઓ ભૂલે ને.....





ણેલા ભૂલે ને.....

ભણેલાઓ ભૂલે ને તારાઓ ડૂબે,
ત્યાં લેવો પડે કોઇ ગેબી સહારો.
પરિચિત પરાયાં બને ત્યારે લાગે,
કેવો હતો એ ગેબી સહારો....
મને મારાં હૈયાની તાકાત ખબર છે.
ખબર કેવું કોમળ ને કેવું સખત છે.
એ ખાશે ઉઝરડા ભલે કંટકોના ,
પરંતુ ચહેશે ગુલાબી સહારો...
ગગનની પિછોડી ટૂંકી થઇ કફનમાં,
ત્યાં શોધ્યો તમારા પ્રણયનો મેં પાલવ.
કિનારીથી ઢાંકો જો લજ્જા અમારી
તો માનીશ, મળ્યો કિનખાબી સહારો...
મને મારું કિસ્મત ભલે જાય દોરી,
ગમે ત્યાં, છતાં ના મને એની પરવા
ઘડીભર તમે આંગળી ઝાલી દોરો
તો માનીશ, મળ્યો છે નવાબી સહારો....
વિધાતાને પૂછું શું ભૂલી ગઇ તું ?
કે લખતાં ખૂટી શ્યાહી તારી કલમથી.
રહ્યો’તો ‘રવિ’ ઝંખતો મૃત્યુ સુધી,
જીવનભર ન પામ્યો એ ખ્વાબી સહારો....


શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

28 May 2007

સંબંધતો પ્રેમનો થવા ...


સંબંતો પ્રેનો વા...
સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!

એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!
કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!
કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,

જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!
યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!
પામવાં મૃત્યુ 'રવિ' આખરમાં કુદરતી,
જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!
શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

નભથી ઝરમર મેહ ઝરે


થી મે રે

નભથી ઝરમર મેહ ઝરે
તવ આંખડીથી ઝરે નેહ અખિલ
એકથી ભીંજાય દેહ મારો... ને
બીજે ભીંજાતું ... દિલ...!
શીતળ વાયુ સાજે બાજે રીમઝીમ રાગની ધૂન
વ્હાલ-વીણા તવ રણકે ઝણકે માદક ને મંજૂલ!
મેહનાં ઉડે વાદળ-ગુલાલ, નેહનાં પ્રીત અબીલ
એકથી ભીંજાય દેહ મારો ને બીજે ભીંજાતું ... દિલ...!
ગોરાં ગોરાં ફોરાં વાગે, અંગ કરે થથરાટ
નેહ-નજરનાં શરથી જાગે તનમનમાં તલસાટ
મેહ બને છે મત્તમદીરા, નેહ નશીલી મ્હેફીલ
એકથી ભીંજાય દેહ મારો ને બીજે ભીંજાતું ... દિલ...!
મેહની પીડા શીતળ લાગે પળભરમાં વિસરાય
નેહ અગનનો છૂપો જખમ અંતલગી ના રૂઝાય
મેહ આભૂષણ વીજલ અંબર, નેહનું ભૂષણ શીલ
એકથી ભીંજાય દેહ મારો ને બીજે ભીંજાતું ... દિલ...!

ગીત તથા સંગીત : રવિ ઉપાધ્યાય

નિષ્કામ દિલે કર કામ સદા


નિષ્કા દિલે કા દા

નિષ્કામ દિલે કર કામ સદા, વિવાદ જગતને કરવા દે...
ભૂલી તારા સદગુણ ને અવગુણ યાદ જગતને કરવા દે...
તું માનવ થૈ ને માનવતાનો મંત્ર સહુને દેતો જા,
તારા વાજીંતરના સૂરનો રસસ્વાદ જગતને કરવા દે..
મનના મ્હાસાગરનાં મોતીની માળા તું સહુને દેજે,
એના બદલામાં પથ્થરનો વરસાદ જગતને કરવા દે..
જગની ઉન્નત ઇમારતનો મૂંગો પથ્થર એકાદ થજે,
અન્યાય મળે તું ને તોયે ફરીયાદ જગતને કરવા દે..
જનતા જ્યારે નિર્જનતામાં ઝંખે વાણીની સરવાણી,
તારા ઉરના સંવાદ ‘રવિ’ અનુવાદ જગતને કરવા દે..

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

હે... પરમ પુનિત મા પાવન


હે... પુનિ મા પા

હે... પરમ પુનિત મા પાવન..... !
હે... પરમ પુનિત મા પાવન..... !
જનમ જનમથી યાચું, ટાળો
મિથ્યા આવન જાવન.......

જલ-જલ થલ-થલ જડ ચેતન તવ, સુરભિત સ્પર્શે થતા મુદિત અવ

કણ-કણ રણ રેણુ વન ઉપવન, અવિરત ઉદિત શુચિ સ્પંદિત રવ
મુક્તિ તૃષા ના છીપે અવરથી, રેલો સ્મિતના શ્રાવણ..... હે.. પરમ

સચરાચર સૌન્દર્ય ઇષ્ટ તવ વિલસે અંતરીક્ષ ધરા તલ
સાત્વિક દીપ, અલૌકિક દિપ્તિ, હરે તિમિરનાં ઘન વાદળ દલ
અમર્ત્ય-અમૃત દિયો ભૃત્યને, ભુવનેશ્વરી મનભાવન.... હે.. પરમ

શોષિત, શ્રમિત, પ્રફુલ્લિત, વિકસીત, તવ ચેતનઅર્ચિત સુરક્ષિત
નિ:સર્ગની સ્વર્ગંગ અસિમીત શ્રી ધી પ્રૌજ્જ્વલ પૂર્ણ પ્રકાશિત
મદ-મત્સર મહિષાસુર મર્દો, રોળો રૌદ્રના રાવણ..... હે .. પરમ

ગીત તથા સંગીત : રવિ ઉપાધ્યાય

26 May 2007

મારાં પિયરને પાદરીયે...


મારાં પિને પારીયે રે.....

મારાં પિયરને પાદરીયે રે......ફૂલ્યો ફાલ્યો પીંપળો...
કૈં વર્ષોથી એ તો ઉભો રે...ફૂલ્યો ફાલ્યો પીંપળો...

ગામના તમામ પાપ પુણ્ય તણાં કામ એના દરિયાવ દિલમાં સંઘરતો
જીરણ થઇ કાયા તોયે મમતાળુ માયાથી છાયા શીતળ સહુને ધરતો...
એતો જીવતો ને જાગતો જોતો રે..પલ્ટાતા યુગનાંપરિબળો..મારાં પિયરને


કોડભરી કન્યા ચોખા ચંદન ચડાવતી, વંદન કરીને એની આરતી ઉતારતી
મનનો માન્યો મેળવવા માનતાઓ માનતી, ભાવના ભક્તિથી નિર્મળ જળ રે ચડાવતી.
એ તો મુંગા આશિષ દઇ મલપતો રે... ઉઘાડી અંતરનો આગળો..... મારાં પિયરને


ડોલંતી ડાળ પર થઇને અસવાર નિત છેડે ગોવાળબાળ બંસરીના સૂર
સહિયરને સાથ રૂડી અજવાળી રાત રાસ રમતી ગોરી ચકોરી ચતુર
રાસ જોતાં જુવાન એના ચોકમાં રે, કોઇ ગોરોને કોઇ શ્યામળો..... મારાં
પિયરને

ગોળ ગોળ આંટી વીંટી કાચા રે સુતરની, કોઇ નારી આંટીઘૂંટી ઉકેલે અંતરની
દેતાં રે જનોઇયું કરવા જાતર જીવતરની, થાતી રે ઉજાણી લ્હાણી નવતર અવસરની
તેજ તપનાં વેરીને ઓપતો રે... વૈરાગી યોગી શો ઉજળો...... મારાં પિયરને


ગીત - સંગીત : રવિ ઉપાધ્યાય,
" ભવ ભવનાં ભેરૂ" નૃત્યનાટિકા (1965)માં તથા કોટ હિન્દુ સ્ત્રી મંડળ, પ્રેરણા મંડંળ જેવી અનેક સાંસ્કૃતિક મંડ્ળો અને શાળાઓ-કોલેજોની ગરબા સ્પર્ધાઓમાં સ્ટેજ પર 1960નાં દાયકામાં ભજવાયેલ.

ગીત છું હું પ્રીતનું.....


ગી છું હું પ્રીનું....

ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે.... !

હોઠપ્યાલી લાખફૂલના, આસવોનો અર્ક છે
ગાલ લાલી લાખ-ગુલ,સૌન્દર્યનો સંપર્ક છે.

નેહભીની હું નજર છું,તું નજરનું નૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે.... !


શ્વાસની સરગમ મહીં, એક મિલનની ધડકન ભરી
ઉરને આંગણ મન-મયૂરો નાચતા થનગન કરી


પ્રેમ-પથનો હું પ્રવાસી, તું ભૂમિ-અંકુર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે.... !



શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર: પ્રકાશ ઉપાધ્યાય, સ્વર : પ્રકાશ ઉપાધ્યાય અને કેતના શાહ

24 May 2007

શમાને પ્રીતિ સૂરજ સંગ




શમાને પ્રીતિ સૂરજ સંગ

શમાને પ્રીતિ સૂરજ સંગ
પિયુ મિલનની ઉત્ક્ટતામાં ઓગાળે નિજ અંગ...... શમાને

શમા જલે સૂરજ આથમતાં
સૂરજ પ્રકાશે શમા વિરમતાં
બન્નેની પ્રીતિ ઘૂંટાઇ કુરબાનીને રંગ....... શમાને


જલન છતાં મિલનાતુર અંતર
પાસ છતાંયે દૂર નિરંતર
વિભાવરી થઇ, વિધિએ કેવો સર્જ્યો વિયોગ - વ્યંગ..... શમાને

ગીત તથા સંગીત : રવિ ઉપાધ્યાય, "ભવ ભવનાં ભેરૂ" (1965) નૃત્યનાટિકામાંથી

વાડ વિના ના ચડતો વેલો

vaad vina na chdto...


વાડ વિના ના ચડતો વેલો

વાડ વિના ના ચડતો વેલો
હોય કૂવામાં પાણી ત્યારે જાય હવાડે રેલો....

પર્વતના શિખરનો પથ્થર શોભે છે ધરતીથી,
મધદરિયાનું મોજું પામે કિનારો ભરતીથી
સાહસને સહકાર મળેતો સફળ થાય હારેલો...વાડ વિના


ક્યાંથી તપતો હોત સૂરજ, જો દિશા ન હોત ઉગમણી
ક્યાંથી સીંચત શશીસુધા, જો હોત ન રજની રમણી
મોતી પણ લાખોનું થયું, મરજીવો જ્યારે મથેલો...વાડ વિના

પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો
નાનીશી ચીનગારી હોય તો, થાતો મોટો ભડકો
સાચો ગુરુ મળે તો, ભવ-જળ પાર ઉતરતો ચેલો...વાડ વિના

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

21 May 2007

હો સફ્ળતામાં સબૂરી


હો તામાં બૂરી...

હો સફળતામાં સબૂરી, સાધના અધૂરી ન હો !
થાય કે ના થાય સારું, ભાવના બૂરી ન હો...!
જીન્દગીના લાખ ઝંઝાવાતના આઘાત શા !
હિંમતે મરદા થવામાં લેશ, મજબૂરી ન હો.. !
હરકાર્યમાં એવી લગન હો, જે ટકે આખર સુધી
અંત પહેલાં શ્રાંત ને, આરંભમાંજ શૂરી ન હો.. !
જન્મથી મૃત્યુ લગી લાંબી સફર એ જીન્દગી !
ખ્યાલો મહીં ખોવાય એ હકીકતની મગરૂરી ન હો.. !
રંગ બદલે માનવી કૈં કૈં જમાના સંગમાં !
નિર્લેપ હો જળકમળવત, કો’ અસર આસૂરી ન હો... !
હર પતનમાં હો ઉન્નતિ, પ્રસ્થાન પીછેહઠ મહીં
સોપાન સતનું એક બસ, મંજીલ ભલે પૂરી ન હો... !
સત્કર્મનાં બી વાવજે, છો ને મળે ફળ અન્યને
પ્રારબ્ધથી કો’ નહીં લૂંટે, પ્રભુની જો મંજૂરી ન હો... !
સ્નેહી મટીને સ્વજન, દુ:શ્મન થાય તો યે શું ‘રવિ’ !
હર વૃક્ષમાં ચંદન નથી, હર મૃગમાં કસ્તૂરી ન હો ... !

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક: પ્રકાશ ઉપાધ્યાય

20 May 2007

જીવનનો રાહ

Jeevan no raah tu....

પ્રસ્તાવના માટે ક્લિક કરો,

પ્રવક્તા : ડો જગદીપ ઉપાધ્યાય

Get this widget

જીનો રાહ ....

જીવનનો રાહ તું સદા સુરેખ રાખજે,

સ્પર્શે ન કોઇ ડાઘ, દેખરેખ રાખજે.

વિચલિત ના થવાય સત્ય પંથથી કદી,

નજરો સમક્ષ કર્મનો આલેખ રાખજે.

ચંચળ સદા કહી છે આ માનવ મનોદશા,

સ્થિરતાનાં મન-કિતાબમાં ઉલ્લેખ રાખજે.

સ્વાર્પણનો બોધપાઠ તું સદાય શીખજે,

સૂરજ-શશીની ટેક મીનમેખ રાખજે .

જગની મલીનતા અને ખારાશ પી જજે,

સાગર બનીને સેવાનો તું ભેખ રાખજે.

આ જન્મ બોજ ના બન્યો કોઇનો કદી "રવિ",

મૃત્યુ પછીયે ના બને, એ વિવેક રાખજે


શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય સાંભળવાં અહીં ક્લિક કરશો



17 May 2007

રૂમઝૂમ પગલે ચાલ્યાં મા


રૂમઝૂમ પગલે ચાલ્યાં મા

રૂમઝૂમ પગલે ચાલ્યાં મા જગજનની જગદંબા.... (2)
અંગે અંગે નવલ ઊમંગે સ્વાંગ સજી રૂપરંગે રંગે
બિરદાળી મા બહુચર સંગે, આવે ગરબે રમવા
મા...... જગજનની જગદંબા ..... રૂમઝૂમ

મુખડું મલકે હૈયું હરખે, ઉરમાં અનુપમ આનંદ ઊમટે
ગીત-સુધાની છોળો ઊછળે અવનિ પાવન કરવા
મા....... જગજનની જગદંબા ..... રૂમઝૂમ

ગગનનો ગરબો શિર પર શોભે, ચંદ્ર સૂરજ બે દિવડા ઓપે,
તારકપાવક ઝગમગ જ્યોતે, યુગાંધારાં હરવા....
મા....... જગજનની જગદંબા ..... રૂમઝૂમ

પગલે પગલે કુમકુમ ઢોળે નવજીવનનાં ફૂલડાં ફોરે
કુંજનિકુંજે ગીતડાં ગુંજે, આશિષ-અમી પાથરવા
મા....... જગજનની જગદંબા ..... રૂમઝૂમ

સૂરોનાં સહું સંકટ ટાળ્યાં, પાપીઓને પળમાં માર્યાં
વિજયતણા જયનાદ ગજાવ્યાં, ખંડ ખંડ જય કરવા.....
મા....... જગજનની જગદંબા ..... રૂમઝૂમ

ભવભવનાં મા બંધન તોડી, તવ ચરણે દે પ્રીતિ જોડી,
વિનવે બાળ 'રવિ' કર જોડી, તારે ખોળે રમવા....
મા....... જગજનની જગદંબા ..... રૂમઝૂમ

કવિ : રવિ ઉપાધ્યાય, સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયક :
1953માં Indian National Theatre (INT) દ્વારા આયોજીત ગરબા-ગરબીની રાજ્યસ્તરીય સ્પર્ધામાં શ્રી સત્યાવીસ સાબરકાંઠા નવદુર્ગા મંડળે રજૂ કરેલ આ અમરક્રુતિને શબ્દલાલિત્ય માટે પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું. અનેક નવરાત્રિ મંડ્ળો અને માંડ્વીઓ અને મુંબઇની લોકલ ટ્રેનોનાં ભજન ગવાતાં ડ્બ્બાઓમાં આ ગરબી આજે પણ હોંશે હોંશે અને ભક્તિવિભોર થઇ ગવાય છે.

16 May 2007

મારી કાચી કાયા કેરા કુંભે


મારી કાચી કાયા કેરા કુંભે


મારી કાચી કાયા કેરા કુંભે, જનંનીએ પ્રગટાવ્યું રે.....

મારા કાળજડાનું કોડિયું....

મારા અંધ હ્રદયનું બંધ બારણું, અંબાએ ઊઘાડ્યું રે

માયાનું બંધન તોડિયું..... મારી


ભવના ઘાટે,

કંટક વાટે,

ડગ ભરતો ને ઠોકર વાગે;

શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,

દિવ્ય આશના શ્વાસ ભરીને...

ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે....

મારું ડગમગ કરતું હોડિયું ..... મારી


તિમિર ભરેલી દશે દિશામાં,

પંથ ન સૂજે ઘોર નિશામાં;

જનમ મરણના ઝંઝાવાતે,

જાપ જપ્યા માના દિનરાતે;

ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે.....

મારાં નવજીવનનું પરોઢિયું....... મારી

શબ્દરચના: રવિ ઉપાધ્યાય, ગાયિકા : હંસા દવે, સંગીતકાર: દક્ષેશ ધ્રુવ, સ્વ. નંદલાલ ભૂતા ટ્ર્સ્ટ દ્વારા બાહર પાડેલ 'ગરબાવલી' અને 'ચંડીપાઠ'ની કેસેટમાં સમાવિષ્ટ. નવરાત્રિ નિર્ઝણી અને ઉરના સૂર પુસ્તકમાં પ્રકાશિત

15 May 2007

કિસ્મતનો કરવૈયો

Kismat no karvayo....
પ્રસ્તાવના માટે ક્લિક કરશો, પ્રવક્તા : ડો જગદીપ ર. ઉપાધ્યાય

કિ સ્મ નો - વૈ યો

દૂહો : સરજનહાર વિના નહીં ખાલી એકે ઠામ...
દિવ્યદ્રષ્ટિથી દેખતો એ તારાં સઘળાં કામ....

મેલ રે મૂરખ મન મિથ્યા વિચાર,
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર!
માથે બેઠો રે કિરતાર.....

હૈયામાં હોય તારે શ્રધ્ધા ને સાચ,
આવે આપત્તિ તોયે આવે ના આંચ
વરસે વિપત્તિનાં વાદળ હજાર....
કિસ્મતાનો કરવૈયો બેઠો રે કિરતાર!
માથે બેઠો રે કિરતાર.....

તારાં કર્મોની એણે રાખી રે કિતાબ!
સત્યતણી લેખિનિથી લખતો હિસાબ!
જેવી કરણી તેવી ભરણી નિરધાર....
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર....
માથે બેઠો રે કિરતાર.....

વિષનાં અમૃત એને કરવાં છે સહેલ,
ઘડી તડકો ઘડી છાયા એવા એના ખેલ!
જેવી એ દેતો તેવી પામી લે પગથાર....
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર......
માથે બેઠો રે કિરતાર.......

શબ્દરચના અને સગીત્ : રવિ ઉપાધ્યાય, ગાયક : પ્રકાશ ઉપાધ્યાય