1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

24 June 2007

શિવમહિમા - સ્તોત્ર


શિવમહિમા - સ્તોત્ર

રવિ ઉપાધ્યાય અને અન્યના સ્વરમાં આ શંકરસ્તુતિ


19 June 2007

ગુરુવંદના

પરમ પૂજ્ય, બ્રહ્મનિષ્ઠ, વેદવેદાંત જ્ઞાની, વિદ્વાન, સાક્ષરવર્ય ગુરુવર (આચાર્ય : શેઠ આનંદીલાલ પોદાર હાઇસ્કૂલ -સાંતાકૃઝ, મુંબઇ) મુરબ્બી શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીના 81માં વર્ષના પદાર્પણ પ્રસંગે, શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ઉપસ્થિતિમાં, તા. 28/7/1974નાં દિવસે, બ્લેવેત્ક્સી હોલ ઓપેરા હાઉસ ખાતે, શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદીચ્ય બ્રહ્મોદય સમાજ સંચાલિત શ્રી સાબરમતિ વિદ્યાર્થી ભુવન (સાંતાકૃઝ્)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યોજેલ સત્કાર સમારંભ પ્રસંગે કવિ રવિ ઉપાધ્યાયની આ ઉરની ઉર્મિ..... ગુરુવંદના કાવ્યરુપે...ગુરુવંદના - રામપ્રસાદ બક્ષી

પ્રગટે આજે પ્રભાત મંગલ, પ્રગટે આજે જ્યોત અનંત
ગાઢ તિમિર ઘનઘટા હટે ને, ઝળકી ઉઠે દિગ દિગંત
મલય સમીરણ તણી સુગંધો, દિશ દિશામાંથી ભરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....

અડગ હિમાલય સમા અડીખમ, શુભ્ર શ્વેત વસ્ત્રોધારી
પુણ્યશ્લોક, પુરુષોત્તમ્ પૂર્ણ, દર્શન તવ પાવનકારી
સૌમ્ય, પુનિત સ્મિતની સરવાણી, નિત વહેતીને વરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....


અમ જીવન ચણતરને પાયે, શિક્ષણનાં બી બોયાં
સંસ્કારોના જલસિંચનથી, નિશદિન તમે ઉછેર્યા
ફૂલ્યાં, ફાલ્યાં, મ્હોર્યા વૃક્ષો, ફળ તેનાં અંહી ધરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....

અંતરપટ પર સદા અંકિત્, તવ વત્સલમૂર્તિ વસતી
હરદમ જીવન સંઘર્ષોમાં, આશિષ અમૃત રેલવતી
અમ ભાગ્યોનાં અભ્યુદયનાં નિર્માતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....


ધૈર્ય, સ્થૈર્ય, શીલ, સંયમ શીખથી દીક્ષિત અમને કીધાં
શિસ્ત, પ્રીત, કલ્યાણ કાર્યનાં ઉપદેશો સહું દીધાં
પ્રસ્થાનોના પાવનકારી, પુણ્ય પ્રણેતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....


સાબરનાં ખોળેથી આવ્યાં સાગરને આરે જ્યારે
માની હૂંફો, પિતૃછાયાં મમતા તમે દીધાં ત્યારે
ભલી લાગણી ધરી સદા તો બ્રહ્મબાળ થઇ ફરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....

હે પરમાત્મા! અમ વિધાતાને દીર્ઘાયું વર દેજો
વાનપ્રસ્થમાં સ્વસ્થ જીવન ને સહકુટુંબ સુખી રહેજો
'ગુરુ સાક્ષાત પરં બ્રહ્મ'એ પ્રભુ પ્રાર્થના કરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
કવિ : રવિ ઉપાધ્યાય

08 June 2007

હૈયાને નથી ....

હૈયાને થી ....
હૈયાને નથી હોઠના કથનનો ભરોસો
પગને નથી પાયલના નર્તનનો ભરોસો

જોવું નથી ને જે દ્ર્શ્ય તે જોવું જો પડે છે
પાંપણ બીડાઇ જાય, ના નયનનો ભરોસો
બદલે છે અહીં રંગ ઋતુઓ બેઋતુમાં
વર્ષા, ન તાપ વીજ કે પવનનો ભરોસો...

કહે છે, જહાંનો મ્હેલ રચાયો યકીન પર
ખંડન થઇ રહ્યું છે, ના સર્જનનો ભરોસો..

રહેંસી રહ્યો છે આજ ગળું ભાઇ-ભાઈનુ
ના યાદવોના સર્વ નિકંદનનો ભરોસો...

કળીયુગનો આ આદમી ભૂલી ગયો નીતિ
એને રહ્યો ના મૃત્યુ કે જીવનનો ભરોસો...

ચૂકે છે ધર્મ, કર્મ ને મૂકે શરમ સહુ 'રવિ'!
માનવને ના માનવનો કે ભગવાનનો ભરોસો...

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

07 June 2007

પ્રીત મળી ગઇ....


પ્રી ળી ઇ....


પ્રીત મળી ગઇ....
મને તારી
પ્રીત મળી ગઇ....
અંતરને મારે દ્વારે તું જ્યારે
સ્મિત કરી ગઇ.... મને તારી

એક પલકમાં દઇને ઝલક તું
અલક મલક ઝબકાવી ગઇ....
સપનોની સરગમ સરવાણીની-
સૂર હલક છલકાવી ગઇ...
જીવનવેલી પ્રીતિ-પરાગે
રસ-સુરભિત થઇ ગઇ.... મને તારી

દિલડાને દર્પણ મઢાઇ અવિચળ
રૂપનાં અમીજળ પાઇ ગઇ...
ઇન્દ્રધનુ અરમાનોનું થઇને
જીવન-ગગન પર છાઇ ગઇ...
મનની મોંઘી મનમાની તું
મનવાંછિત મળી ગઇ .... મને તારી


ગીત - સંગીત : રવિ ઉપાધ્યાય

06 June 2007

પ્રીત્યું તારી ના કળાય

પ્રીત્યું તારી ના કળાય

પ્રીત્યું તારી ના કળાય
અલ્યા વાલમા
પ્રીત્યું તારી ના કળાય

પળમાં એ બિન્દુ થૈ હૈયે અટવાય
વળી પળમાં થૈ સિન્ધુ લહેરાય
અલ્યા વાલમા.... પ્રીત્યું તારી

સાત સાત સાગર ઉલેચવા છે સહેલ,
પેલું હૈયું ઉલેચવું ના સહેલ
મુઠ્ઠીમાં બંધ થાય અષાઢી વીજ
પેલા હૈયાને બંધ મુશ્કેલ
હૈયાની ધડકનમાં કોયલનો સૂર ભર્યે
સાગરગર્જન સંભળાય
અલ્યા વાલમા..... પ્રીત્યું તારી


ચાંદનીનો દોર બાંધી સૂરજ પતંગ
મૂકું, હૈયાના નભમાં વિહરવા
આયખાને રોમરોમ પ્રગટે ત્યાં રાતદિન
તેજ ને તિમિર માંડે તરવા
ઉમટે અજંપ કંપ કાયાને કાંગરે
હૈયે ધોરીનસ ચંપાય
અલ્યા વાલમા..... પ્રીત્યું તારી

ખૂંદી વળાય પેલા ગિરિવર ‘ને કંદરા
વસમી છે વ્હાલપની વાટ
જીરવી લેવાય ઘાવ સો સો તલવારના
દોહ્યલો તે દિલનો ઉચાટ
પળમાં પીવાય અમીઆસવ અખૂટ
પ્યાલી, મીરાનું વિષ ના પીવાય
અલ્યા વાલમા.... પ્રીત્યું તારીશબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

કહે એવું તે તારામાં શું છે!
Kahe evoo te taram...

કહે એવું તે તારામાં શું છે !

કહે એવું તે
તારામાં શું છે! મારામાં શું છે!
હું જોઉં જ્યાં - તું હોય જ ત્યાં
કહે - એ શું છે ?

તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે ...એ શું છે?..કોનામાં શું છે?... મારામાં શું છે?

તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ અને દર્પણ દેખાય
કહે ...એ શું છે?..કોનામાં શું છે?... તારામાં શું છે?
કહે ...એ શું છે?..કોનામાં શું છે?... તારામાં શું છે?

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ શનમ શોખીન’ ઓડીયો કેસેટમાં ધ્વનીમુદ્રિત

++++++++++
Get this widget | Share | Track details

05 June 2007

તું જાગ્યો ત્યાથી થયું સવાર...


તું જાગ્યો ત્યાંથી.....


તું જાગ્યો ત્યાંથી થયું સવાર...
તું જાગ્યો ત્યાંથી થયું સવાર...
તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર....તું જાગ્યોઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.
પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,
આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર...તું જાગ્યોપાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,
મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,
ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર.... તું જાગ્યોપંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,
સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં
આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર... તું જાગ્યો


શબ્દરચના, સંગીત: રવિ ઉપાધ્યાય, : ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

01 June 2007

કૃષ્ણપ્રભુ કર્મયોગી

Krishna etle.wav
પ્રસ્તાવના : પ્રવક્તા ડો .જગદીપ ઉપાધ્યાય.


કૃષ્ણપ્રભુ ર્મયોગી
કૃષ્ણપ્રભુ કર્મયોગી
તમે પ્રેમ કેરા પૂર્ણ અવતાર રે .... કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે કર્મમાં કરાવ્યો અધિકાર રે....... કૃષ્ણપ્રભુ કર્મયોગી

જૂદાં છતાં જોગવ્યો વહેવાર રે....... કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે જળ પર કમળ આકાર રે...... કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગાયો ચારી ગામ ગોંદરે .... વળી પૂજા કરી પરિવાર રે
નંદજીની ધેનુ ચારવા રે, બની બેઠાં આપ ગોપાળ રે.. કૃષ્ણપ્રભુ કર્મયોગી


મથુરામાં મારી કંસને કીધો ઉગ્રસેનને ભૂપ
માતપિતાના બંધન છોડાવીયાં રે તમે જેલખાનું કર્યું તીરથરુપ રે... કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગુરુને ત્યાં ભણવાં ગયાં ને સેવ્યા ગુરુના ચરણ
લાકડાનાં ભારાં લેવા જઇને તમે શીખવાડ્યો ‘ગુરુસેવા ધર્મ’ રે.... કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગરીબ સુદામા મિત્રને રે કર્યો પોતાના કરતા સવાઇ
અજાચક વ્રત એનું જાળવ્યું રે તમે બાંધી બતાવી મિત્રાઇ રે .... કૃષ્ણપ્રભુ કર્મયોગી


પાંડવ કોરવના યુધ્ધમાં તમે હાંક્યો અર્જુન રથ રે
હાથમાં હથિયાર લીધાં વિનાં રે તમે જીતાડ્યો મહાજંગ રે..... કૃષ્ણપ્રભુ કર્મયોગી


યુધિષ્ઠિરે યજ્ઞ આદર્યો ને જમાડ્યાં આઠે વર્ણ
એઠાં પતરાળાં ઉપાડીને રે તમે શીખવ્યો સાચો સેવા ધર્મ રે..... કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગીતા ગાયનાં જ્ઞાન દોહીને તમે પીધાં પાયાં અમૃત
વનીવેણું વગાડી મન રીઝવ્યાં રે તમે વંદનીય છો ભગવાન રે.... કૃષ્ણપ્રભુ કર્મયોગીશબ્દરચના અને સંગીત : રવિ ઉપાધ્યાય