1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

26 August 2007

ગોકુળ તે ગામની ગોવાલણી…. .

ગોકુળ તે ગામની ગોવાલણી…. .

દૂહો :
નટખટ નઠોર, ચંચલચકોર, રસમસ્તીખોર,

નંદનો કિશોર, જૂઓ કેવી લીલા રમતો… .
સૂણી બંસીતાન, ભૂલી સાનભાન, ગોપી થઇ ગુલતાન,

ત્યાં કુંવરકાન (બની જઇ અજાણ) કેવાં કામણ કરી કનડતો….

રાસ :
ગોકુળ તે ગામની ગોવાલણી…. .
મીઠાં મહિ વેચવાને જાય, માથે મટકી મૂકી….
સામે મળ્યો છે નંદલાલજી એ તો માગે મહિડાનાં દાણ,
ઉભો મારગ રોકી…
ગોકુળ તે

કૃષ્ણ :
ગોરી ઉભી છે કેમ ત્યાં અટકી?
અહીં આવી ઉતાર તારી મટકી
દેતી જાને તું દાણ નહીં તો ફોડું આ માણ
હું છું કોણ જરા જાણ, મારું નામ કુંવર કહાન….
ગોકુળ તે

ગોપી :
ઓ રે જશોદાના લાલ ! ઓ રે વ્રજના ગોપાલ !
લાગું હું પાય… મારો પાયલ ન ઝાલ…
મોડું થશે તો મહિ રહી જશે પછી ક્યાંથી લાવીશ હું દામ?
ગાય મારી રહેશે ભૂખી….
ગોકુળ તે

કૃષ્ણ :
શાને જૂઠાં બહાનાં બનાવતી?
ગોરી ગોરસ પાયા વિના ક્યાં જતી?
જોને અવનિ આકાશ કરે ઋતુઓ વિલાસ, જરા આવને તું પાસ
આપણ રમીએ અહીં રાસ
ગોકુળ તે

ગોપી :
જારે જારે રંગીલા, છેલછલીયા છબીલા,
હટી જાને હઠીલા, મારે રમવી ન લીલા
ટોળે મળીને સહું ગોપીઓ કરે જશોદા માને ફરીયાદ
કહાનને રાખો રોકી….
ગોકુળ તે

ગોપીવૃન્દ:
વારો, વારો ને તમ લાલ
જરાં ઓછાં કરો વ્હાલ
એની નટખટ છે ચાલ
જૂઓ કેવાં કીધા હાલ !
ગોકુળ તે

જશોદા:
શીદને દેતાં આવું આળ? નથી નટવર નખરાળ
રાખી પૂર્રી મેં સંભાળ બાંધી રાખ્યો મારો બાળ…
બંસીધરનાં જોઇ બંધનો, ઘેલી ગોપીઓ ગઇ શરમાઇ,
શિર રહ્યાં સહુંના ઝૂકી….
ગોકુળ તે

ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય1960 અને 70ના દાયકામાં અનેક સાંસ્કૃતિક સંસ્થાઓ અને શાળાઓ દ્વારા રાસ તરીકે સ્ટેજ પર આ કૃતિ ભજવાઇ હતી.

દૂર થતી તું છોને નયનથી
1965માં ભજવાયેલ નૃત્યનાટિકા ભવ ભવનાં ભેરૂ નો નાયક પર્વત એની પ્રિયતમા રેશમને જીવનની પગથારે સાથી થવા એક વર્ષના સમયનો કોલ આપી પોતાને ગામ જવા પાછો જતો હોય છે. આંખોમાં ઉભરાતાં આંસુની ધાર વહાવતી પ્રિયતમા તેને દૂર સુધી વળાવવા જાય છે. પ્રિયતમ પ્રિયતમાનાં આંખનાં આંસુ લૂછતો તેને આ ગીત દ્વારા ફરી વિશ્વાસનો કોલ આપે છે.


દૂર થતી તું છોને નયનથી

દૂર થતી તું છોને નયનથી
તોયે હૃદયની પાસ છે.
આસુંભીનું આજ અંતર મારું
તોયે તેમાં તારો વાસ છે.
દૂર....
મુજ જીવનનાં ગાઢ અંધારે,
તું તારલીનો ઉજાસ છે.
કરૂણતાના સૂર તું છેડે,
તોયે તું સુરીલું સાજ છે.
દૂર...
દુ:ખભર્યાં ભવની કડવાશે,
સ્નેહભરી તું સુવાસ છે.
વિરહ દુ:ખનાં દરિયા પીધાં
તોયે તું મિલન પ્યાસ છે.
દૂર...


ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયક : બદ્રી પવાર, નૃત્યનાટિકા ; ભવ ભવનાં ભેરૂ ( 1965)

25 August 2007

વૈશાખી રાત....


1965માં ભજવાયેલ નૃત્યનાટિકા ભવ ભવનાં ભેરૂ નો નાયક પર્વત એની પ્રિયતમા રેશમને જીવનની પગથારે સાથી થવા એક વર્ષના સમયનો કોલ આપી પોતાને ગામ પાછો ફરે છે.
એક સાલ....! વ્યથાથી ભરેલા એ દિવસો શેં પૂરા થાય?. પ્રેમીની યાદમાં ઝૂરતાં પ્રિયતમાનાં હૈયાને એક સાલ, એક ભવ કરતાંયે લાંબી લાગે . હોળી અને ધૂળેટીનાં ઉત્સવો પછી આવે છે ગ્રીષ્મની ઉન્હી ઉકળાટભરી પ્રલંબ રાત્રિઓ. પ્રીતમની યાદમાં ચકડોળે ચઢેલાં ચિત્તને ચેન નથી. નયને નિંદ નથી. શૈયામાંથી ઝબકીને જાગી જતી પ્રિયતમા આ વૈશાખી રાતની ધીખતી અગનથી પ્રજળી રહે છે અને તે સમયે થતી પીડા આ ગીતમાં ગવાઇ છે..........
વૈશાખી રાત....
વૈશખી રાતની રે અગન, વસમી ઉની ઉની અગન...
ધખતી રહી દિનભર ધરા,‘ને ઓઢતી અગની ગવન. વૈશાખી....
તનને દઝાડે, મન રંજાડે, એવી વાયે લૂ...
મૂરઝાતી મન-ઉપવનની કળીઓ, રેલેના ખુશબુ..
પીડાતી પ્રકૃતિ ગાતી રે.. , ઉના નીસાસીએ કવન...
વૈશાખી....

ભીતર એકલતા ‘ને વિકળતા, ઉપર અગન લેપ..
એક તો પિયુની વિરહ પીડા, ‘ને બીજી પ્રસ્વેદ..
સાથી વિના સૂનું જીવન, સૂનાં સૂનાં ભાસે ભવન
..
વૈશાખી...


ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયિકા : રાજુલ મહેતા, નૃત્યનાટિકા ; ભવ ભવનાં ભેરૂ ( 1965)

23 August 2007

થોભી જા ... ઘનઘોર ગગનની વાદળી


સૂરજના તાપથી ધીખતી ધરાને શીતળ કરવાં વાદળો આકાશથી વરસી પડે છે. વર્ષા વિનાં વિમાસણમાં પડેલાં વસુંધરાનાં વ્હાલસોયા બાળકો વર્ષાની રૂમઝૂમતી હેલી જોઇ નાચી ઉઠે છે. નદી-નાળાં છલકાઇ ઉઠે છે. ખેતરોએ તો જાણે લીલી ચાદર ઓઢી......
પરંતુ........ ! પ્રિયતમાના મન-ગગનમાં તો ઘોર અંધારું જ છવાયેલું રહે છે. વ્હાલાની વિરહ વેદનાની વાદળી વિખરાતી નથી. ત્યારે એ આકાશની વાદળીને થોભવાં વિનવતાં આ ગીત ગાઇ રહે છે.........
થોભી જા ... ઘનઘોર ગગનની વાદળી
થોભી જા... થોભી જા....
થોભી જા.... થોભી જા પલવાર....
તને વિનવું વારંવાર રે ..... (2)
ઘનઘોર ગગનની વાદળી
થોભી જા પલવાર........ થોભી જા...

નાચ કરે તું નભને આરે,
વાગે વીજ ઝંકાર... (2)
નાગણ થઇ ડંખે શ્રાવણનાં
મેઘ અને મલ્હાર .... (2) થોભી જા...

સાજનને તું આટલું કહેજે
હૈયે તારી જપમાળ ...... (2)
આંખડી રોતી વાટડી જોતી
સૂનાં સૂનાં શણગાર..... (2) થોભી જા....

ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયિકા : રાજુલ મહેતા, નૃત્યનાટિકા : ભવ ભવનાં ભેરૂ (1965)

05 August 2007

જુદો રહું છું જગતથી

જુદો રહું છું જગતથી

જુદો રહું છું જગતથી હું છતાં જૂદાઇ ના લાગે !
બુરૂં કરનારના હૈયા ઢૂંઢૂ, બુરાઇ ના ભાસે !

બને સંજોગનો જે ભોગ, તેમાં દોષ કોનો છે ?
જીવનયુધ્ધે લડે તોયે, રણશિંગુ ના વાગે !

ખીલે લાખો ફૂલો નિત્યે, જૂદાં કિસ્મત, જૂદાં અરમાં
કોઇ સોહે પ્રભુ શીરે, કોઇ કરમાઇ જતાં લાગે !

મથું, લઇ મોત મૂઠ્ઠીમાં, મહાસાગરમાં મરજીવા
મળે મોતની સાટે મોત તો અધીરાઇ ના જાગે !


બની ભવસાગરે સદગુણભર્યુ હેતું તણો સેતુ,
'રવિ' ઝૂલાવતો જગને, છતાં પંકાઇ ના રાચે

* કવિ: 'રવિ' ઉપાધ્યાય

પથ્થરને પરમેશ મેં માન્યા


થ્થને મેમેં માન્યા

પથ્થરને પરમેશ મેં માન્યા
ધરી હ્રદયની અભિલાષા...
અંતરની એક આરત સૂઝે
પ્રગટે જ્યોતિ દશે દિશા...

સુધબુધ ખોઇ પ્રભુ ધ્યાનમાં
મગ્ન મનોરથ-મહાલયમાં
અણુ અણુ પરમાણું વીંધ્યું
સુખ સીંચ્યું ન સુરાલયમાં

મૃત્યુ શોધ્યું, જીવન જડ્યું
ઉત્ક્રાંતિની નવલ-ઉષામાં,
અનંત યાત્રાના અભિગમમાં
ભવની ભાવટ-ફેર તૃષામાં
રચયિતા : 'રવિ ' ઉપાધ્યાય