1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

30 September 2007

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !

સુરેન ઠાકર ‘મેહુલ’....
સુરેન ઠાકર ‘મેહુલ’.... ગુજરાતી સાહિત્ય જગતમાં આદરપૂર્વક લેવાતું મોટા ગજાનું નામ. લોકસાહિત્ય, સુગમ સંગીત, ડાયરા કે મુશાયરા કાર્યક્ર્મોનાં સૂત્રધાર તરીકે એમને સાંભળવાનો પણ એક અનેરો લ્હાવો છે. નિર્ધારિત સમય-સીમામાં રહી એમના કંઠેથી યથાર્થ ભાવ અને ભારથી લથબથ બોલાયેલા શબ્દોની, રમત અને રંગત માણવાનો અવસર, શ્રોતાઓ માટે એ અવિસ્મરણીય પ્રસંગ બની રહે છે. સુરેશ દલાલના શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય કે “ મેઘાણી, મકરંદ દવે અને વેણીભાઇ પુરોહિતનું રસાયણ મેહુલ-મુદ્રા થઇ ને પ્રગટ્યું છે”. આયુષ્યના સાડા છ દાયકા પૂર્ણ કરનાર આ ‘મેહુલ’ ઉત્તર ગુજરાતની માટીની મ્હેક અને સાબરમતી પરથી વહેતા પવનની સુગંધ સાથે એક વિશ્વવ્યાપી તૃષ્ણા અને અઢળક અજંપો લઇને જીવે છે. રવિ ઉપાધ્યાય ‘રવિ’ અને સુરેન ઠાકર ‘મેહુલ’, સત્યાવીશ સાબરકાંઠા ઔદીચ્ય બ્રહ્મોદય સમાજ નામે જ્ઞાતિનાં જ્ઞાતિબંધુ. રવિભાઇ સાબરમતી નદીને પૂર્વકાંઠે વસેલ કડોલી ગામનાં અને ‘મેહુલ’ કડોલીની સામે અને પશ્ચિમ કાંઠે વસેલ ગામ ‘પેઢામલી’ના. બન્નેને એકબીજા પર અનોખો આદરભાવ. 1970ની આસપાસ આ જ્ઞાતિના ‘મેહુલ’ સહિત યુવકૉએ સર્જન યુવક સંઘની સ્થાપના કરી. રવિભાઇ સર્જન યુવક સંઘના આધ્ય ટ્રસ્ટી અને ‘મેહુલ’ આ સંસ્થાના મુખપત્ર ‘પગથાર’ના આધ્ય તંત્રી. આજથી લગભગ પંદરવર્ષ પૂર્વે સર્જન યુવક સંઘે ‘મેહુલ’ના 50 વર્ષની ઉજવણી માટે યોજેલ સત્કાર સમારંભમાં રવિભાઇએ આ કૃતિ રજૂ કરેલ.

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી પર આયો થઇને મેહુલ !
તું દિશ-દિશમાં પથરાયો થઇને મેહુલ !
તું રસ-આસવ લઇ આયો થઇને મેહુલ !


તારી સર્જન પ્રતિભા ન્યારી, કેવી અદભૂત ને અલગારી !
વિદ્યોત્તેજક, સુસંસ્કારી; સહુને પ્રેરક, સહુને પ્યારી !


તું જનહૈયે જકડાયો થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


તારી કવિતા ને કથા-કવન, લાગે સહુને મીઠાં એ શ્રવણ !
રસબ્રહ્મનું દર્શન-પરિભ્રમણ; વળી સંગીત, સ્નેહ અને સ્વાર્પણ !

તું ‘શબ્દ-શિલ્પી’ પંકાયો, થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


કોકિલ કુંજન, મધુકર ગુંજન,
ઝંકાર ઝરણાં, વાયુ સ્પંદન
કદી કોઇ નવોઢાનાં ખંજન,
વીજ ચમક-દમક-કવિતા અંજન
તું વિવિધ રૂપે સુહાયો થઇને મેહુલ !

તું મેઘાણીનો ચાહક છે.
વળી લોકગીતનો ગાયક છે.
તું મુશાયરાનો નાયક છે.
તું શેર-ગઝલનો વિધાયક છે.


તું કલમ-કસબી કહેવાયો થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


છે ‘ગુર્જરી-ગૌરવ’ સરગમ તું
જ્ઞાતિનું રત્ન અનુપમ તું
સાથી મિત્રોનો હમદમ તું
છે ઉદાહરણ એક ઉત્તમ તું
‘માનવ્ય-મલ્હાર’ તેં ગાયો થઇને મેહુલ !

સર્જનની પગથારો વિકસે
અભિવંદન તને કરી વિલસે
તું શત શરદાયું જીવે વરસે
પ્રાર્થે સહું ઇશ આજે હર્ષે
અભિનંદન-ફૂલે પૂજાયો થઇને મેહુલ !

કવિ : રવિ ઉપાધ્યાય

23 September 2007

મંગલાષ્ટક

મંગળફેરા:લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છે: ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ? તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ: (૧) ધર્મ-ધર્મ પાળવો પળાવવો (૨) અર્થ-પૈસા કમાવા (૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો (૧) ધર્મ: સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો, વિ. ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળે છે. (૨) અર્થ-પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મિ કહેવાય છે. ઘરની લક્ષ્મિ પણ આપણે કહીએ છીએ. (૩) કામ: સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે. લગ્ન જીવન માટે વંશવૃધ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે.
આ ત્રણેય – ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની – ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો (૪) મોક્ષ એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા સુશ્રુષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, વડિલો પ્રત્યેનો આદર સેવા-સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા-મમતા. આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધેજ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.
સપ્તપદી:આ શ્ર્લોકો ગોરબાપા બોલતા હોય છે એ દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના કોલ અપાય છે.
મંગલાષ્ટક:લગ્નવિધિ પૂરો થતાં ગોર બાપા કે વડિલો નવદંપતિને આશિર્વાદ આપતા શ્ર્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નિવડે એવી મંગળ કામનાઓનો અનુરોધ કરે છે.
પ્રસ્તુત છે રવિ ઉપાધ્યાય રચિત એક મંગલાષ્ટક જે પુત્ર પ્રકાશ અને પુત્રવધુ આશાના લગ્ન પ્રસંગે (1977) રચ્યં હતું....



મંલાષ્ટ
(શાર્દૂલ)



પ્રાર્થું ઇશ ગણેશને પ્રથમ હું “ નિર્વિઘ્ન કાર્યો કરો”,
વંદુ માત સરસ્વતી, “વિમળ ને વિવેક-વાણી વરો”,
દેવો વ્યોમેથી ઇસ્ટ મિસ્ટ અમીની સંતુષ્ટ વૃષ્ટિ કરો,
બ્રહ્માંડે પરબ્રહ્મની શુચીપ્રભા માંગલ્ય - સૃષ્ટિ ભરો.


સોહે સૌમ્ય સ્મિતે શશી, સૂરજ ને તારાગણો હર્ષથી,
પૃથ્વી, અંબર ને દશે દિશ મહીં દૈવી સુધા વર્ષતી.
વાયુ વાય વસુંધરે વિંઝણલો શુભ્ર સુગંધો ભરી
પુષ્પોનો મકરંદ મંદ મહેંકે નિર્બંધ ગંધો ઝરી.


ગાંધર્વો રસગીત સંગીત સ્વરો સ્વર્ગીય રેલી રહે,
સૌન્દર્યો સચરાચરે વિલસતાં સાત્વિકતા નિર્ઝરે.
ઓપે આજ અણું અણું અલખનું ઐશ્વર્ય અનર્ગલ
પ્રકૃતિ પમરી રહી પ્રીત ભર્યાં પરમામૃતો મંગલ

ગુંજે નાદ નિનાદ બ્રહ્મવચનો, માંગલ્ય મંત્રોક્તિઓ
શાસ્ત્રો વેદ પુરાણ, મંત્રો વદતા વિપ્રો અને ઋત્વિજો,
અગ્નિ સૂર્ય સમક્ષ પાણિગ્રહણે ગ્રંથી ગુંથી લગ્નની
પ્રસ્થાને પ્રભુતા પથે હ્રદય બે માંગલ્ય યાત્રી બની.

સોહે સત્ય, સુપુણ્ય, સખ્ય શીલના સાફલ્ય-સંયોગથી,
સીતારામનું સુજ્ઞ યુગ્મ જગમાં, અદ્વૈતના યોગથી,
એવી ધર્મ નીતિ, પ્રીતિ, મતિ ધરી સૌ યોગેક્ષેમં વહો,
અન્યોન્યે પૂરી ન્યૂનતા, અખિલનું કલ્યાણ સાધી રહો.


સાધી જે પરબ્રહ્મ ઉન્નતસ્થિતિ શંભુ ઉમા સંગથી,
રાધા-માધવ રાસમાં રત બન્યાં જે પ્રીતના રંગથી,
સોહ્યું કસ્તુર-ગાંધીનું યુગલ જે સત્કર્મના યોગથી,
એ પ્રીતિ, રસઐક્ય દંપતી વરો, ઉત્કર્ષ ને ઉન્નતિ.


વિશ્વાકાશ મહીં ‘પ્રકાશ’ પ્રસરજે માતાપિતા-જ્યોત થૈ,
અક્ષય શુશ્રુષાથી ‘ આશા ‘ સુહજે, સંસ્કારના સ્તોત્ર થૈ.
પ્રાવિણ્યે પરબ્રહ્મ પ્રાપ્ત કરજો વેદાંત સંસર્ગથી,
”ભરગો દેવસ્ય ધીમહી” જપી રહો, મન વાણી ને કર્મથી.


દીર્ઘાયુષ વરો સદા, સતત હો ઉત્કર્ષ સૌભાગ્યનાં
વિદ્યાના સુવિલાસ હો, નિત નવાં સ્ફુરો સ્મિતો સ્વાસ્થ્યનાં
કીર્તિ, વિત્ત, ક્ળા પ્રભુ ભરી રહો, સત્યમ શિવમ સુંદરમ
બ્રહ્મા, વિષ્ણું મહેશ રક્ષણ કરો... “કુર્યાત સદા મંગલમ”


રચયિતા : રવિ ઉપાધ્યાય

07 September 2007

તારી યાદ રે...



તારી યાદ રે...

તારી યાદ રે, તારી યાદ
ફરી ફરી આમ આવશે....
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ
કાળી કાળી રાતલડીમાં આટલું સતાવશે....
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ

તારાં હૈયાંનું કીધું મેં મોંઘેરું મૂલ,
જાણી ફોરમ ફેકન્તું કોઇ ગુલાબનું ફૂલ
કિન્તું કોમળ ફૂલ સંગાથે કંટકો હશે .....
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ

સ્નેહ કેરાં સરવરિયામાં અંતરનો ચાંદ દીઠો
નેહભર્યો એ કામણગારો હૈયાંને લાગે મીઠો
કિન્તું રસભર રાતલડીનું શમણું રે હશે....
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ
શબ્દરચના અને સંગીતરચના : રવિ ઉપાધ્યાય, ગાયક: બદ્રી પવાર અને ગાયિકા: રાજુલ મહેતા, નૃત્યનાટિકા : “ભવ ભવનાં ભેરૂ” (1965)

થનન...થનન... દિલ કરે થનગન

થનન...થનન... દિલ કરે થનગન
અજબ જાદુભરી વાણી, પિયુ હૈયું નચાવી દે....
છૂપું એક દર્દ મીઠું આજ, અંતરીએ જગાવી દે...

થનન...થનન... દિલ કરે થનગન,
રૂમઝૂમ રૂમઝૂમ નાચે મન...
પલ પલમાં મુજ પાંપણ પરથી,
પ્રીત પરાગો પલકે...

સ્નેહભર્યા મુજ સરોવર પાળે,
મન મોરલીયો મલકે....
છાને છપને, આવી સપને
કોણ ચોરે ચિત્તવન..... રૂમઝૂમ..

ગોરાં મારાં મુખડાં પરથી,
શરમની ફોરમ ફરકે...
ઓઢું ઓઢું તોયે નટખટ,
ગવનનો ઘુંઘટ સરકે.....
પ્રીતલડીનાં તાલે ધબકે
હૈયાંની ધડકન... રૂમઝૂમ...

શબ્દરચના અને સંગીતરચના : રવિ ઉપાધ્યાય, ગાયિકા: પ્રતિભા રેલે, નૃત્યનાટિકા : “ભવ ભવનાં ભેરૂ” (1965)

06 September 2007

પ્રિય તું ! પ્રિય હું !





પ્રિય તું ! પ્રિય હું !
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ.
પ્રેમ છલોછલ હૈયું તું, હું અવિરત શ્વાસોચ્છવાસ.... પ્રિય તું

તું ઘુઘવાટભર્યો મહેરામણ, હું ધસમસતી ભરતી,
પુનિત-પ્રવાસી તું પ્રીત પથનો, હું પદચૂમતી ધરતી...

તું ઉમંગ, હું ઉલ્લાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ...



જૂગજૂગ જૂની પ્રિયજપ જપતી હું માળા, તું મણકો,
હું તાલ, તું માત્રા; શબ્દ હું, સ્વર તું; હું ઝાંઝર, તું ઝણકો.


તું વચન ‘ને હું વિશ્વાસ,
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ...

હું વેલી, તું વૃક્ષ હે પ્રિય! હું સુગંધ તું સોનું
નેહભર્યા અનિમેષ નયન તું, હું કાજળ નયનોનું,



તું દિપક ‘ને હું ઉજાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ...

પ્રિય તું સત્ય, સનાતન હું; તું ગાયક, હું ગીતા,
હું મીરાં, તું માધવ હે પ્રિય!, તું રાઘવ, હું સીતા,


હું કવિતા ને તું પ્રાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ...




શબ્દ અને સંગીત રચયિતા : રવિ ઉપાધ્યાય

03 September 2007

ગીત નિરાલું ગાવું..



ગી નિરાલું ગાવું..
ગીત નિરાલું ગાવું
મારે ગીત નિરાલું ગાવું...!
માનવ-મનના અરમાનોના-
સાજની સરગમ થાવું......
મારે..

સૂર્યશશીનાં રશ્મિ લઇ ને
જલધિ બિન્દુ મિલાવી દઇ ને
વિશ્વતણા વિરાટવ્યોમ પર
ઇન્દ્રધનું સરજાવું.......
મારે...


કંટક છાઇ જગની કેડી
અણદીઠી પગથારો ખેડી,
અંતરીક્ષથી સૌરભ મીઠી
જનહૈયે પ્રસરાવું.....
મારે...


ઘોર અઘોર અમાસી રાતે
સહુ વિલાપે તિમિર-ઘાટે
ત્યાં મારે વીજવેગે ઝબકી-
દીપક સહુનો થાવું.....
મારે....

ભેદ અભેદ ભૂલાવી દઇને,
નાતજાત સહુ મીટાવી દઇને,
ઉર ઉરનાં પૂર ઘૂઘવી, કિશ્તી -
માનવતાની તરાવું ....
મારે

ગીત અને સંગીત રચના : રવિ ઉપાધ્યાય

01 September 2007

હું માનવ છું .....


હું મા છું
હું માનવ છું...
હું માનવ છું, મુજને કદીયે સંતોષ નથી,
મારી ભૂલો જાણું તો યે, મુજને મુજથી રોષ નથી.
હું માનવ.....

આજ કમાઉં એક, કાલ મન લાખ કમાવા માંગે,
લાખ કમાયે શતલાખોની, તૃષ્ણા મુજને જાગે.
મારી આકાંક્ષા અપરિમિત, એમાં મારો દોષ નથી.
હું માનવ.....
કુદરત પર કાબું મેળવવા, પ્રયોગ આદરતો અવનવા,
ચડું, પડું, આથડું છતાયેં નિત્ય પ્રયત્નો કરું નવા.
હાર કદી હું ના સ્વીકારું, ચાહે જીતનું જોશ નથી.
હું માનવ....
મારી ચંચળ મનોવૃત્તિથી, ધરતીનું હૈયું ધબકે,
મારાં વંશજ વિરાટ, વામન વૈમનસ્યે વલખે.
વસુંધરાના વિષ વિમોચન કરતો આશુતોષ નથી.
હું માનવ.....
શબ્દ અને સંગીત રચના : રવિ ઉપાધ્યાય