મંગળફેરા:લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છે: ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ? તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ: (૧) ધર્મ-ધર્મ પાળવો પળાવવો (૨) અર્થ-પૈસા કમાવા (૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો (૧) ધર્મ: સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો, વિ. ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળે છે. (૨) અર્થ-પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મિ કહેવાય છે. ઘરની લક્ષ્મિ પણ આપણે કહીએ છીએ. (૩) કામ: સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે. લગ્ન જીવન માટે વંશવૃધ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે.
આ ત્રણેય – ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની – ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો (૪) મોક્ષ એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા સુશ્રુષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, વડિલો પ્રત્યેનો આદર સેવા-સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા-મમતા. આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધેજ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.
સપ્તપદી:આ શ્ર્લોકો ગોરબાપા બોલતા હોય છે એ દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના કોલ અપાય છે.
મંગલાષ્ટક:લગ્નવિધિ પૂરો થતાં ગોર બાપા કે વડિલો નવદંપતિને આશિર્વાદ આપતા શ્ર્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નિવડે એવી મંગળ કામનાઓનો અનુરોધ કરે છે.
પ્રસ્તુત છે રવિ ઉપાધ્યાય રચિત એક મંગલાષ્ટક જે પુત્ર પ્રકાશ અને પુત્રવધુ આશાના લગ્ન પ્રસંગે (1977) રચ્યં હતું....
મંગલાષ્ટક
(શાર્દૂલ)
પ્રાર્થું ઇશ ગણેશને પ્રથમ હું “ નિર્વિઘ્ન કાર્યો કરો”,
વંદુ માત સરસ્વતી, “વિમળ ને વિવેક-વાણી વરો”,
દેવો વ્યોમેથી ઇસ્ટ મિસ્ટ અમીની સંતુષ્ટ વૃષ્ટિ કરો,
બ્રહ્માંડે પરબ્રહ્મની શુચીપ્રભા માંગલ્ય - સૃષ્ટિ ભરો.
સોહે સૌમ્ય સ્મિતે શશી, સૂરજ ને તારાગણો હર્ષથી,
પૃથ્વી, અંબર ને દશે દિશ મહીં દૈવી સુધા વર્ષતી.
વાયુ વાય વસુંધરે વિંઝણલો શુભ્ર સુગંધો ભરી
પુષ્પોનો મકરંદ મંદ મહેંકે નિર્બંધ ગંધો ઝરી.
ગાંધર્વો રસગીત સંગીત સ્વરો સ્વર્ગીય રેલી રહે,
સૌન્દર્યો સચરાચરે વિલસતાં સાત્વિકતા નિર્ઝરે.
ઓપે આજ અણું અણું અલખનું ઐશ્વર્ય અનર્ગલ
પ્રકૃતિ પમરી રહી પ્રીત ભર્યાં પરમામૃતો મંગલ
ગુંજે નાદ નિનાદ બ્રહ્મવચનો, માંગલ્ય મંત્રોક્તિઓ
શાસ્ત્રો વેદ પુરાણ, મંત્રો વદતા વિપ્રો અને ઋત્વિજો,
અગ્નિ સૂર્ય સમક્ષ પાણિગ્રહણે ગ્રંથી ગુંથી લગ્નની
પ્રસ્થાને પ્રભુતા પથે હ્રદય બે માંગલ્ય યાત્રી બની.
સોહે સત્ય, સુપુણ્ય, સખ્ય શીલના સાફલ્ય-સંયોગથી,
સીતારામનું સુજ્ઞ યુગ્મ જગમાં, અદ્વૈતના યોગથી,
એવી ધર્મ નીતિ, પ્રીતિ, મતિ ધરી સૌ યોગેક્ષેમં વહો,
અન્યોન્યે પૂરી ન્યૂનતા, અખિલનું કલ્યાણ સાધી રહો.
સાધી જે પરબ્રહ્મ ઉન્નતસ્થિતિ શંભુ ઉમા સંગથી,
રાધા-માધવ રાસમાં રત બન્યાં જે પ્રીતના રંગથી,
સોહ્યું કસ્તુર-ગાંધીનું યુગલ જે સત્કર્મના યોગથી,
એ પ્રીતિ, રસઐક્ય દંપતી વરો, ઉત્કર્ષ ને ઉન્નતિ.
વિશ્વાકાશ મહીં ‘પ્રકાશ’ પ્રસરજે માતાપિતા-જ્યોત થૈ,
અક્ષય શુશ્રુષાથી ‘ આશા ‘ સુહજે, સંસ્કારના સ્તોત્ર થૈ.
પ્રાવિણ્યે પરબ્રહ્મ પ્રાપ્ત કરજો વેદાંત સંસર્ગથી,
”ભરગો દેવસ્ય ધીમહી” જપી રહો, મન વાણી ને કર્મથી.
દીર્ઘાયુષ વરો સદા, સતત હો ઉત્કર્ષ સૌભાગ્યનાં
વિદ્યાના સુવિલાસ હો, નિત નવાં સ્ફુરો સ્મિતો સ્વાસ્થ્યનાં
કીર્તિ, વિત્ત, ક્ળા પ્રભુ ભરી રહો, સત્યમ શિવમ સુંદરમ
બ્રહ્મા, વિષ્ણું મહેશ રક્ષણ કરો... “કુર્યાત સદા મંગલમ”
રચયિતા : રવિ ઉપાધ્યાય
2 comments:
શબ્દો જ નથી મારી પાસે કે કયા શબ્દો માં વખાણ કરુ. ખુબ સુન્દર
KAVYA MESSAGE IN WONDERFUL WELL CHOSEN WORDS.....ENJOYED.>>>>> DR. CHANDRAVADAN MISTRY
Post a Comment