1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

30 September 2007

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !

સુરેન ઠાકર ‘મેહુલ’....
સુરેન ઠાકર ‘મેહુલ’.... ગુજરાતી સાહિત્ય જગતમાં આદરપૂર્વક લેવાતું મોટા ગજાનું નામ. લોકસાહિત્ય, સુગમ સંગીત, ડાયરા કે મુશાયરા કાર્યક્ર્મોનાં સૂત્રધાર તરીકે એમને સાંભળવાનો પણ એક અનેરો લ્હાવો છે. નિર્ધારિત સમય-સીમામાં રહી એમના કંઠેથી યથાર્થ ભાવ અને ભારથી લથબથ બોલાયેલા શબ્દોની, રમત અને રંગત માણવાનો અવસર, શ્રોતાઓ માટે એ અવિસ્મરણીય પ્રસંગ બની રહે છે. સુરેશ દલાલના શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય કે “ મેઘાણી, મકરંદ દવે અને વેણીભાઇ પુરોહિતનું રસાયણ મેહુલ-મુદ્રા થઇ ને પ્રગટ્યું છે”. આયુષ્યના સાડા છ દાયકા પૂર્ણ કરનાર આ ‘મેહુલ’ ઉત્તર ગુજરાતની માટીની મ્હેક અને સાબરમતી પરથી વહેતા પવનની સુગંધ સાથે એક વિશ્વવ્યાપી તૃષ્ણા અને અઢળક અજંપો લઇને જીવે છે. રવિ ઉપાધ્યાય ‘રવિ’ અને સુરેન ઠાકર ‘મેહુલ’, સત્યાવીશ સાબરકાંઠા ઔદીચ્ય બ્રહ્મોદય સમાજ નામે જ્ઞાતિનાં જ્ઞાતિબંધુ. રવિભાઇ સાબરમતી નદીને પૂર્વકાંઠે વસેલ કડોલી ગામનાં અને ‘મેહુલ’ કડોલીની સામે અને પશ્ચિમ કાંઠે વસેલ ગામ ‘પેઢામલી’ના. બન્નેને એકબીજા પર અનોખો આદરભાવ. 1970ની આસપાસ આ જ્ઞાતિના ‘મેહુલ’ સહિત યુવકૉએ સર્જન યુવક સંઘની સ્થાપના કરી. રવિભાઇ સર્જન યુવક સંઘના આધ્ય ટ્રસ્ટી અને ‘મેહુલ’ આ સંસ્થાના મુખપત્ર ‘પગથાર’ના આધ્ય તંત્રી. આજથી લગભગ પંદરવર્ષ પૂર્વે સર્જન યુવક સંઘે ‘મેહુલ’ના 50 વર્ષની ઉજવણી માટે યોજેલ સત્કાર સમારંભમાં રવિભાઇએ આ કૃતિ રજૂ કરેલ.

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી પર આયો થઇને મેહુલ !
તું દિશ-દિશમાં પથરાયો થઇને મેહુલ !
તું રસ-આસવ લઇ આયો થઇને મેહુલ !


તારી સર્જન પ્રતિભા ન્યારી, કેવી અદભૂત ને અલગારી !
વિદ્યોત્તેજક, સુસંસ્કારી; સહુને પ્રેરક, સહુને પ્યારી !


તું જનહૈયે જકડાયો થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


તારી કવિતા ને કથા-કવન, લાગે સહુને મીઠાં એ શ્રવણ !
રસબ્રહ્મનું દર્શન-પરિભ્રમણ; વળી સંગીત, સ્નેહ અને સ્વાર્પણ !

તું ‘શબ્દ-શિલ્પી’ પંકાયો, થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


કોકિલ કુંજન, મધુકર ગુંજન,
ઝંકાર ઝરણાં, વાયુ સ્પંદન
કદી કોઇ નવોઢાનાં ખંજન,
વીજ ચમક-દમક-કવિતા અંજન
તું વિવિધ રૂપે સુહાયો થઇને મેહુલ !

તું મેઘાણીનો ચાહક છે.
વળી લોકગીતનો ગાયક છે.
તું મુશાયરાનો નાયક છે.
તું શેર-ગઝલનો વિધાયક છે.


તું કલમ-કસબી કહેવાયો થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


છે ‘ગુર્જરી-ગૌરવ’ સરગમ તું
જ્ઞાતિનું રત્ન અનુપમ તું
સાથી મિત્રોનો હમદમ તું
છે ઉદાહરણ એક ઉત્તમ તું
‘માનવ્ય-મલ્હાર’ તેં ગાયો થઇને મેહુલ !

સર્જનની પગથારો વિકસે
અભિવંદન તને કરી વિલસે
તું શત શરદાયું જીવે વરસે
પ્રાર્થે સહું ઇશ આજે હર્ષે
અભિનંદન-ફૂલે પૂજાયો થઇને મેહુલ !

કવિ : રવિ ઉપાધ્યાય