પરમ પૂજ્ય, બ્રહ્મનિષ્ઠ, વેદવેદાંત જ્ઞાની, વિદ્વાન, સાક્ષરવર્ય ગુરુવર (આચાર્ય : શેઠ આનંદીલાલ પોદાર હાઇસ્કૂલ -સાંતાકૃઝ, મુંબઇ) મુરબ્બી શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીના 81માં વર્ષના પદાર્પણ પ્રસંગે, શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ઉપસ્થિતિમાં, તા. 28/7/1974નાં દિવસે, બ્લેવેત્ક્સી હોલ ઓપેરા હાઉસ ખાતે, શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદીચ્ય બ્રહ્મોદય સમાજ સંચાલિત શ્રી સાબરમતિ વિદ્યાર્થી ભુવન (સાંતાકૃઝ્)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યોજેલ સત્કાર સમારંભ પ્રસંગે કવિ રવિ ઉપાધ્યાયની આ ઉરની ઉર્મિ..... ગુરુવંદના કાવ્યરુપે...
ગુરુવંદના - રામપ્રસાદ બક્ષી
પ્રગટે આજે પ્રભાત મંગલ, પ્રગટે આજે જ્યોત અનંત
ગાઢ તિમિર ઘનઘટા હટે ને, ઝળકી ઉઠે દિગ દિગંત
મલય સમીરણ તણી સુગંધો, દિશ દિશામાંથી ભરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
અડગ હિમાલય સમા અડીખમ, શુભ્ર શ્વેત વસ્ત્રોધારી
પુણ્યશ્લોક, પુરુષોત્તમ્ પૂર્ણ, દર્શન તવ પાવનકારી
સૌમ્ય, પુનિત સ્મિતની સરવાણી, નિત વહેતીને વરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
અમ જીવન ચણતરને પાયે, શિક્ષણનાં બી બોયાં
સંસ્કારોના જલસિંચનથી, નિશદિન તમે ઉછેર્યા
ફૂલ્યાં, ફાલ્યાં, મ્હોર્યા વૃક્ષો, ફળ તેનાં અંહી ધરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
અંતરપટ પર સદા અંકિત્, તવ વત્સલમૂર્તિ વસતી
હરદમ જીવન સંઘર્ષોમાં, આશિષ અમૃત રેલવતી
અમ ભાગ્યોનાં અભ્યુદયનાં નિર્માતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
ધૈર્ય, સ્થૈર્ય, શીલ, સંયમ શીખથી દીક્ષિત અમને કીધાં
શિસ્ત, પ્રીત, કલ્યાણ કાર્યનાં ઉપદેશો સહું દીધાં
પ્રસ્થાનોના પાવનકારી, પુણ્ય પ્રણેતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
સાબરનાં ખોળેથી આવ્યાં સાગરને આરે જ્યારે
માની હૂંફો, પિતૃછાયાં મમતા તમે દીધાં ત્યારે
ભલી લાગણી ધરી સદા તો બ્રહ્મબાળ થઇ ફરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
હે પરમાત્મા! અમ વિધાતાને દીર્ઘાયું વર દેજો
વાનપ્રસ્થમાં સ્વસ્થ જીવન ને સહકુટુંબ સુખી રહેજો
'ગુરુ સાક્ષાત પરં બ્રહ્મ'એ પ્રભુ પ્રાર્થના કરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ.....
કવિ : રવિ ઉપાધ્યાય