ડગે ડગ ઠોકરો વાગે
( મુહબ્બત પર બહાર આતી તો.... એ રાહે)
( મુહબ્બત પર બહાર આતી તો.... એ રાહે)
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે,
જીવન વનમાં મળે કાંટા, તો પુષ્પો તું બનાવી દે....
જીવન વનમાં મળે કાંટા, તો પુષ્પો તું બનાવી દે....
પડ્યું મા, નાવ મઝધારે, મચ્યું તોફાન તો ભારે,
પ્રલયનાં વિજ ચમકારે, તૂટે વર્ષાં મુશળધારે,
સહારો ના મળે ત્યારે, કિનારો તું બતાવી દે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!
બન્યો બે હાલ હું માડી, વિકટ છે જીન્દગી સારી,
રડી રે આંખડી મારી, હ્રદયમાં આગ-ચિનગારી!
વ્યથામાં હું વલોવાતો, મને મા તું ઉગારી લે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!
પડ્યો ભૂલો હું ભવરણમાં, પીડાતો ઘોર આફતમાં,
નિરાશાનાં આ નિર્ઝરણાં જગાવે ઉરમાં ઉઝરડાં,
હવે મુજ દ્વાર હૈયાનાં દયાળું તું ઉઘાડી દે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!
જૂઠી કાયા ને માયાનાં દે મારાં બંધનો તોડી
તૂટેલાં તાર દે જોડી ‘ રવિ’ વિનવે મા કરજોડી!
પ્રકાશી પ્રેમ જ્યોતિ મા, જીવન-કેડી ઉજાળી દે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!
કવિ : રવિ ઉપાધ્યાય